GST વ્યવસ્થામાં ટેક્સ અધિકારીઓને મળેલી સીધી ધરપકડ કરવાની સત્તા અંગે કેન્દ્ર સરકાર પુનર્વિચાર કરી રહી છે. 7 ઓક્ટોબર, 2026ના રોજ મળનારી GST કાઉન્સિલની બેઠકમાં આ મુદ્દે ચર્ચા થવાની શક્યતા છે. હાલ આ માત્ર દરખાસ્ત છે અને સત્તા દૂર થશે કે તેમાં મર્યાદા મૂકવામાં આવશે તે અંગેનો અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.

પ્રસ્તાવ મંજૂર થાય તો GST સંબંધિત ગંભીર કેસોમાં અધિકારીઓ દ્વારા થતી સીધી ધરપકડની હાલની વ્યવસ્થામાં ફેરફાર થઈ શકે છે. આ માટે CGST કાયદામાં સુધારો કરવો પડશે. સરકાર આ સુધારો શિયાળુ સત્ર દરમિયાન સંસદમાં રજૂ કરી શકે છે.

હાલની કાયદાકીય જોગવાઈ શું છે?

હાલની વ્યવસ્થા હેઠળ CGST Actની કલમ 69 મુજબ કમિશનર પાસે ધરપકડની મંજૂરી આપવાની સત્તા છે. ગંભીર કરચોરી, નકલી બિલિંગ, ખોટી રીતે Input Tax Credit (ITC) મેળવવા અને જાણીજોઈને કરચોરી જેવા કેસોમાં આ જોગવાઈ લાગુ થઈ શકે છે. જોકે, માત્ર કાયદામાં સત્તા છે એટલા માટે ધરપકડ ન કરવી જોઈએ, તેવું 2022માં જાહેર કરાયેલી માર્ગદર્શિકામાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું. કેસની ગંભીરતા, ઉપલબ્ધ પુરાવા અને આરોપી વ્યક્તિની ભૂમિકા પણ ધ્યાનમાં લેવાની હોય છે.

ફેરફાર પાછળ ઉદ્યોગજગતની ચિંતા

GST તપાસ અને અધિકારીઓની ધરપકડ સત્તાને લઈને ઉદ્યોગજગત તથા કંપનીઓ તરફથી લાંબા સમયથી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને કંપનીના વરિષ્ઠ અધિકારીઓની ધરપકડ અંગે સવાલો ઉઠતા રહ્યા છે. સરકારનો વિચાર એવો હોવાનું કહેવાય છે કે મોટા કૌભાંડો અને ઇરાદાપૂર્વકની કરચોરી સામે કડક કાર્યવાહી ચાલુ રહે, પરંતુ સામાન્ય કરવિવાદ અથવા પ્રક્રિયાત્મક ભૂલના કેસોમાં ધરપકડનો ભય ન રહે.

ચાર વર્ષના આંકડા શું કહે છે?

સરકારી આંકડાઓ મુજબ, 2021-22થી 2024-25 દરમિયાન GST સંબંધિત ગુનાઓના 72,393 કેસ નોંધાયા હતા. આ સમયગાળામાં કેન્દ્રીય GST અધિકારીઓએ 887 લોકોની ધરપકડ કરી હતી. આ આંકડામાં રાજ્ય GST અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી ધરપકડનો સમાવેશ થતો નથી.

પ્રસ્તાવિત ફેરફાર બાદ ગંભીર છેતરપિંડીના કેસોમાં ફોજદારી કાયદા અથવા ભારતીય ન્યાય સંહિતા હેઠળ કાર્યવાહીનો માર્ગ અપનાવવામાં આવી શકે છે. જોકે, 7 ઓક્ટોબરની GST કાઉન્સિલ બેઠકમાં ચર્ચા, કાયદાકીય સુધારો અને સંસદીય મંજૂરી બાદ જ નવી વ્યવસ્થા અંગે સ્પષ્ટતા થશે.