GIPE Shadow Monetary Policy Committee (GSMPC)એ RBIના રેપો રેટને 5.25% પર યથાવત રાખવાની ભલામણ કરી છે. વિદ્યાર્થી આધારિત આ પેનલે આગામી મહિને યોજાનારી RBIની સમીક્ષા પહેલાં નીતિગત વલણ તટસ્થ રાખવાનું સૂચવ્યું છે.

પેનલના જણાવ્યા અનુસાર, ગયા વર્ષના ફેબ્રુઆરીથી રેપો રેટમાં કુલ 125 બેસિસ પોઈન્ટ એટલે કે 1.25%નો ઘટાડો થયો છે. જોકે, તેનો સંપૂર્ણ લાભ હજુ ઉધાર લેનારાઓ અને થાપણદારો સુધી પહોંચ્યો નથી. વિવિધ લોન અલગ-અલગ બેન્ચમાર્ક અને રીસેટ સાઇકલ સાથે જોડાયેલી હોવાથી નાણાકીય નીતિના ફેરફારોનો પ્રસાર ધીમો રહે છે. નવી લોન અને ડિપોઝિટના દરોમાં પણ અગાઉના ઘટાડાની અસર હજુ આગળ વધવાની શક્યતા છે.

પેનલે મોંઘવારીમાં તાજેતરના વધારા પાછળ મુખ્યત્વે ખાદ્ય અને ઇંધણના ભાવને જવાબદાર ગણાવ્યા છે, જ્યારે આર્થિક વૃદ્ધિ તંદુરસ્ત રહેવાની વાત કરી છે. ગ્રાહક ભાવ આધારિત મોંઘવારી જુલાઈના 4.45%થી વધીને ઓગસ્ટમાં 4.82% થઈ હતી. આ સમયગાળામાં ખાદ્ય મોંઘવારી 5.95% રહી હતી.

ખાંડના ભાવ જુલાઈના કિલોદીઠ રૂ. 48.18થી વધીને ઓગસ્ટમાં રૂ. 55.7 થયા હતા. ઓછું સ્થાનિક ઉત્પાદન, પ્રતિકૂળ હવામાન, જીવાતોના હુમલા અને વૈશ્વિક ભાવવધારાને તેની પાછળના કારણો તરીકે દર્શાવવામાં આવ્યા છે. જોકે, ઓગસ્ટમાં ઘરગથ્થુ વપરાશની 63% વસ્તુઓમાં મોંઘવારી 4%થી નીચે રહી હતી.

પેનલે વધતા ક્રૂડ ઓઇલના ભાવ, પશ્ચિમ એશિયામાં ભૂરાજકીય તણાવ, ઊંચા વૈશ્વિક વ્યાજદર અને રૂપિયાની નબળાઈને જોખમ ગણાવ્યાં છે. તેના મતે, પુરવઠા આધારિત મોંઘવારી સામે વ્યાજદર વધારવાથી અછત અથવા ઇનપુટ ખર્ચની સમસ્યા ઉકેલાશે નહીં અને વૃદ્ધિ પર દબાણ આવી શકે છે. વધારાની પ્રવાહિતા સંભાળવા RBI બોન્ડ વેચાણ અને ટૂંકા ગાળાના ઉપાયો ચાલુ રાખી શકે છે.