અમદાવાદ ઝોનલ ઓફિસે બેંક ફ્રોડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં ઈલેક્ટ્રોથર્મ ઈન્ડિયા લિમિટેડની રૂ. 43.65 કરોડની જંગમ સંપત્તિ કામચલાઉ ધોરણે ટાંચમાં લીધી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 હેઠળ કરી હોવાનું જણાવ્યું છે.

ટાંચમાં લેવાયેલી સંપત્તિમાં Yes Bankના બે ખાતાંમાં રહેલી રૂ. 25.08 કરોડની રકમ અને ઈલેક્ટ્રોથર્મના 13,57,775 પ્રમોટર શેરનો સમાવેશ થાય છે. આ શેરોની કિંમત રૂ. 18.57 કરોડ હોવાનું EDના નિવેદનમાં જણાવાયું છે. નવી કાર્યવાહી બાદ આ કેસમાં જપ્ત, ટાંચમાં લેવાયેલી અથવા ફ્રીઝ કરાયેલી સંપત્તિનું કુલ મૂલ્ય રૂ. 81.97 કરોડ થયું છે.

2007થી 2013 વચ્ચે ભંડોળ ડાયવર્ટ કર્યાનો આક્ષેપ

EDની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની મુંબઈ સ્થિત Banking Securities and Fraud Branchમાં નોંધાયેલી ફરિયાદના આધારે શરૂ થઈ હતી. ફરિયાદ બેંક ઓફ ઈન્ડિયાની રજૂઆત પર નોંધાઈ હતી. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, 2007થી 2013 દરમિયાન ઈલેક્ટ્રોથર્મ અને તેના સંકળાયેલા લોકો દ્વારા બેંક પાસેથી લેવામાં આવેલી ક્રેડિટ સુવિધાનું ભંડોળ મંજૂર હેતુથી અલગ રીતે વાપરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે.

EDના નિવેદન મુજબ, કંપનીના વિસ્તરણ માટે આપવામાં આવેલી લોનમાંથી કેટલાક નાણાં વિતરણ બાદ તરત જ જૂની જવાબદારીઓ ચૂકવવા તરફ વાળવામાં આવ્યા હતા. ત્યારબાદ વિવિધ સંસ્થાઓ મારફતે રકમ ટ્રાન્સફર થઈ અને કેટલીક રકમ રોકડમાં ઉપાડવામાં આવી હોવાનો પણ તપાસ એજન્સીનો દાવો છે.

જાન્યુઆરી 2025માં પણ કાર્યવાહી

આ કેસમાં EDએ જાન્યુઆરી 2025માં કંપની, તેના ડિરેક્ટરો અને પ્રમોટરો સાથે જોડાયેલા પરિસરોમાં તપાસ કરી હતી. તે સમયે આશરે રૂ. 38.32 કરોડની સંપત્તિ જપ્ત અથવા ફ્રીઝ કરવામાં આવી હતી. અગાઉની કાર્યવાહી અને તાજેતરની ટાંચને સાથે ગણતાં કેસમાં કુલ રકમ રૂ. 81.97 કરોડ થઈ છે.

EDના જણાવ્યા અનુસાર, ઈલેક્ટ્રોથર્મની બેંક સામેની બાકી રકમ રૂ. 631.97 કરોડ હતી. બેંકે લોનને Edelweiss Asset Reconstruction Companyને રૂ. 550 કરોડમાં સોંપી હતી. આ તફાવતને કારણે બેંકને રૂ. 81.97 કરોડનું નુકસાન થયું હોવાનો તપાસ એજન્સીનો આક્ષેપ છે. કેસની તપાસ હજુ ચાલુ છે.