બેન્ક યુનિયનો દ્વારા 28થી 30 સપ્ટેમ્બર, 2026 દરમિયાન દેશવ્યાપી ત્રણ દિવસીય હડતાળનું આહ્વાન કરવામાં આવ્યું છે. આ હડતાળ પહેલાં કેન્દ્ર સરકારે જાહેર ક્ષેત્રની બેન્કો અને પ્રાદેશિક ગ્રામીણ બેન્કોની શાખાઓ રવિવાર, 27 સપ્ટેમ્બરે ખુલ્લી રાખવાનો નિર્ણય લીધો હતો.

યુનિયનોનો આક્ષેપ છે કે સરકારનો આ નિર્ણય ગ્રાહકોની સુવિધા કરતાં પોતાના ‘ઈગો સેટિસફેક્શન’ માટે લેવામાં આવ્યો છે. બીજી તરફ, સરકારનું કહેવું છે કે સતત રજાઓ અને હડતાળને કારણે ગ્રાહકોને બેન્કિંગ સેવાઓમાં લાંબો વિક્ષેપ ન પડે તે માટે રવિવારે કામગીરી ચાલુ રાખવામાં આવી છે.

યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ પાંચ દિવસીય બેન્કિંગ સપ્તાહ સહિતની માંગણીઓને લઈને હડતાળનું આહ્વાન કરી રહ્યું છે. નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર 28થી 30 સપ્ટેમ્બરની હડતાળ સપ્ટેમ્બર અંતની અર્ધવાર્ષિક બેન્ક ક્લોઝિંગ સાથે પણ જોડાય છે, જેના કારણે શાખા આધારિત સેવાઓ પર અસર થવાની શક્યતા છે.

ગ્રાહકોને મહત્વપૂર્ણ બેન્કિંગ વ્યવહારો અગાઉથી પૂર્ણ કરવા અને જરૂરી સેવાઓ માટે ઇન્ટરનેટ બેન્કિંગ, મોબાઇલ બેન્કિંગ, UPI તથા ATMનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.