યુનાઇટેડ ફોરમ ઑફ બેંક યુનિયન્સ (UFBU)એ 28થી 30 સપ્ટેમ્બર દરમિયાન જાહેર કરેલી ત્રણ દિવસની બેંક હડતાળ મુલતવી રાખી છે. પરિણામે દેશભરમાં બેંકો સામાન્ય દિવસોની જેમ ખુલ્લી રહેશે અને બેંકિંગ સેવાઓ ચાલુ રહેશે. આ અઠવાડિયામાં 2 ઑક્ટોબરે ગાંધી જયંતિની રજા સિવાય બેંકોના કામકાજમાં વિક્ષેપ નહીં આવે.
રવિવારે મોડી રાત્રે યોજાયેલી બેઠકમાં ઇન્ડિયન બેંક્સ એસોસિયેશન (IBA)એ 5-ડે વર્કિંગ અંગે સમિતિ બનાવવાની સંમતિ આપી હતી. સમિતિમાં બેંક મેનેજમેન્ટ અને યુનિયનના પ્રતિનિધિઓ સામેલ થશે. અઠવાડિયામાં બે દિવસની રજા, જેમાં પહેલા અને ત્રીજા શનિવારનો સમાવેશ થાય, તે અંગે સમિતિ ચર્ચા કરશે. પ્રસ્તાવિત વ્યવસ્થા હેઠળ કર્મચારીઓ સોમવારથી શુક્રવાર સુધી દરરોજ 40 મિનિટ વધુ કામ કરી શકે છે.
ATMના મફત વ્યવહારો અંગે નિયમ
હડતાળ મુલતવી રાખવામાં આવતા 28થી 30 સપ્ટેમ્બર દરમિયાન ATMની મફત મર્યાદા પૂરી થયા પછી ચાર્જ નહીં વસૂલવાનો નિર્ણય લાગુ રહેશે કે નહીં, તે અંગે સત્તાવાર નિવેદન જાહેર થયું નથી. RBIના નિયમો મુજબ, પોતાના બેંકના ATMમાંથી દર મહિને 5 વખત મફત રોકડ ઉપાડી શકાય છે. અન્ય બેંકના ATM માટે દિલ્હી અને મુંબઈ જેવા મેટ્રો શહેરોમાં 3 તથા નાના શહેરોમાં 5 મફત વ્યવહારોની મર્યાદા છે.
મર્યાદા બાદ દરેક રોકડ ઉપાડ પર ₹23 + GST ચાર્જ લાગુ પડે છે. ATM વ્યવહારમાં બેંકો વચ્ચે રોકડ ઉપાડ માટે 19 રૂપિયા અને બેલેન્સ ચેક કરવા માટે 7 રૂપિયાની ફી પણ ચૂકવાય છે.
સિનિયર અધિકારીઓની Performance Linked Incentive (PLI) યોજના અંગેની ફરિયાદો અને માર્ચ 2024માં નક્કી થયેલી બાકી માંગણીઓ પર પણ ચર્ચા ફરી શરૂ કરવાની સંમતિ આપવામાં આવી છે. પ્રસ્તાવિત હડતાળમાં 7 મોટી બેંક યુનિયનોના 90%થી વધુ કર્મચારીઓ જોડાવાના હતા.
