યુનાઈટેડ ફોરમ ઑફ બેંક યુનિયન્સ (UFBU) દ્વારા 28થી 30 સપ્ટેમ્બર, 2026 દરમિયાન ત્રણ દિવસની રાષ્ટ્રવ્યાપી બેંક હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. હડતાળને કારણે ખાસ કરીને જાહેર ક્ષેત્રની બેંકોની શાખાઓમાં કાઉન્ટર આધારિત સેવાઓ પર અસર થવાની શક્યતા છે.
હડતાળ પહેલાં ગ્રાહકોને જરૂરી બેંકિંગ વ્યવહારો પૂર્ણ કરવાની તક મળે તે માટે 27 સપ્ટેમ્બર, રવિવારે તમામ જાહેર ક્ષેત્રની બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો સામાન્ય રીતે ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે RBIની મંજૂરી પણ આપવામાં આવી છે.
બેંક યુનિયનોની મુખ્ય માંગ અઠવાડિયામાં પાંચ દિવસનું બેંકિંગ સપ્તાહ લાગુ કરવાની છે. આ ઉપરાંત કર્મચારી સંગઠનો અન્ય સેવા અને કામકાજ સંબંધિત મુદ્દાઓ પણ ઉઠાવી રહ્યાં છે.
હડતાળના દિવસોમાં ATM, UPI, મોબાઈલ બેંકિંગ અને ઈન્ટરનેટ બેંકિંગ જેવી ડિજિટલ સેવાઓ ચાલુ રહી શકે છે, પરંતુ રોકડ જમા-ઉપાડ, ચેક ક્લિયરન્સ અને શાખા આધારિત કામકાજમાં વિલંબ થઈ શકે છે. ખાનગી બેંકો પર અસર તેમની ભાગીદારી અને સ્થાનિક વ્યવસ્થા પર આધારિત રહેશે.
