અમદાવાદમાં શ્રી ઝાલાવાડ વીશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન સમાજ દ્વારા આયોજિત ‘SZVS Business Expo-2026’નું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું. એક્સ્પોનો ઉદ્દેશ સમાજના સભ્યોને વ્યવસાયિક રીતે આગળ વધવા માટે મંચ આપવાનો અને સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાનો છે.

આ કાર્યક્રમ અમદાવાદના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો. એક્સ્પોમાં વિવિધ ક્ષેત્રોના આશરે 80 સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. તેમાં મેન્યુફેક્ચરિંગ, સર્વિસ પ્રોવાઇડર્સ, ઔદ્યોગિક વ્યવસાયો, બિલ્ડિંગ મટિરિયલ્સ, જ્વેલરી, ઇન્ટિરિયર ડિઝાઇન, ઇન્શ્યોરન્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ, ફેશન ડિઝાઇનર્સ તથા ફૂડ એન્ડ બેવરેજિસ જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે.

મુખ્યમંત્રીએ સ્ટોલની મુલાકાત લીધી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સ્પોના વિવિધ સ્ટોલની મુલાકાત લઈને તેમાં રજૂ કરાતી સેવાઓ અને વ્યવસાયિક પ્રવૃત્તિઓ વિશે માહિતી મેળવી. તેમણે એક્સ્પોના આયોજન માટે સમાજને શુભેચ્છા પાઠવી અને આ પ્રકારના મંચો દ્વારા વ્યવસાયિક જોડાણ તથા વિકાસને વેગ મળવાની વાત કરી.

મુખ્યમંત્રીએ સમાજની અન્ય પ્રવૃત્તિઓની પણ પ્રશંસા કરી હતી. તેમાં રક્તદાન શિબિરો, નોટબુક વિતરણ, જરૂરિયાતમંદ પરિવારો માટેની કલ્યાણકારી કામગીરી અને મહિલાઓ દ્વારા ચલાવવામાં આવતા ઘરઆધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે.

આયોજનમાં સમાજના આગેવાનો જોડાયા

એક્સ્પોના આયોજનમાં સમાજના પ્રમુખ અપૂર્વ સંઘવી, ઉપપ્રમુખ અજય દોશી, સચિવ દર્શન સંઘવી, સંયુક્ત સચિવ અલ્પેશ ધોળકિયા, ખજાનચી ભાવિક વસાણી અને સંયુક્ત ખજાનચી વિવેક શાહ સહિતની ટીમ જોડાઈ હતી. કાર્યક્રમમાં સમાજના આગેવાનો, ઉદ્યોગકારો અને વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

એક્સ્પો દ્વારા વિવિધ વ્યવસાયોને એક જ સ્થળે રજૂઆત કરવાની તક મળવાની સાથે મુલાકાતીઓ અને વેપારીઓ વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.