હરિયાણા અને ચંડીગઢના સરકારી ખાતાઓમાંથી રૂ. 657 કરોડની કથિત ગેરરીતિના કેસમાં તપાસ દરમિયાન ડાન્સર યુવતી સાથેના સંબંધ અને તેના પર થયેલા મોટા ખર્ચની વિગતો સામે આવી છે. CBIના દાવા મુજબ, આ કેસમાં મુખ્ય આરોપી તરીકે તપાસ હેઠળ રહેલા રિભાવ ઋષિએ યુવતી માટે દિલ્હી, વિદેશ પ્રવાસ અને મોંઘી હોટેલોમાં રોકાણ પર નાણાં ખર્ચ્યાં હતાં.
તપાસમાં સામે આવેલી માહિતી અનુસાર, રિભાવ ઋષિની યુવતી સાથે માર્ચ-એપ્રિલ 2025 દરમિયાન ચંડીગઢના એક કાર્યક્રમમાં મુલાકાત થઈ હતી. ત્યારબાદ 8 મે 2025ના રોજ જયપુરની પાર્ટીમાં અને 5 જુલાઈ 2025ના રોજ મુંબઈના સેન્ટ રેજિસ હોટેલમાં બંને ફરી મળ્યાં હતાં. યુવતીએ CBIને આપેલા નિવેદનમાં જણાવ્યું હોવાનું અહેવાલોમાં કહેવાયું છે કે ઋષિએ તેની સાથે લગ્ન કરવાની વાત કરી હતી.
દિલ્હીના મકાન માટે કરોડોનો ખર્ચ
યુવતીના નિવેદન મુજબ, 18 જુલાઈ 2025ના રોજ દિલ્હીના દ્વારકામાં મકાન માટે રૂ. 1 લાખ ટોકન રકમ આપવામાં આવી હતી. મકાન માટે રૂ. 3.10 કરોડ રોકડ ચૂકવાયા હતા, જેમાં યુવતીએ રૂ. 49 લાખ આપ્યા હતા. વધુ રૂ. 90 લાખ ચૂકવવાના હતા, જેમાંથી રૂ. 65 લાખ ચૂકવાઈ ચૂક્યા હોવાનું તપાસમાં જણાવાયું છે.
યુવતીએ CBIને એમ પણ કહ્યું હોવાનું સામે આવ્યું છે કે ઓગસ્ટ 2025થી જાન્યુઆરી 2026 સુધી તેને દર મહિને રૂ. 10 લાખ આપવામાં આવ્યા હતા. આ સમયગાળામાં કુલ રૂ. 56 લાખ ચૂકવાયા હતા. યુવતીના કહેવા મુજબ, ડાન્સનું કામ છોડ્યા બાદ આ રકમ આપવાની વાત થઈ હતી.
પાર્ટીઓ અને સરકારી ખાતાઓની તપાસ
તપાસ એજન્સી સમક્ષ યુવતીએ ચંડીગઢ, દિલ્હી, ગોવા, મકાઉ, થાઈલેન્ડ અને દુબઈની મુસાફરી વિશે પણ માહિતી આપી હોવાનું અહેવાલોમાં કહેવાયું છે. CBIના જણાવ્યા મુજબ, રિભાવ ઋષિના ખાતામાં SRR Planning Gurusમાંથી રૂ. 5.40 કરોડ અને Swastik Desh Projectsમાંથી રૂ. 1.50 કરોડ આવ્યા હતા. તેની પત્નીના ખાતામાં રૂ. 18.32 કરોડ પહોંચ્યાનો પણ દાવો છે.
CBIનો આરોપ છે કે વિવિધ સરકારી ખાતાઓમાંથી ઓછામાં ઓછા 25 શંકાસ્પદ ડેબિટ વ્યવહારો દ્વારા રૂ. 187.35 કરોડ ખસેડવામાં આવ્યા હતા. આ કેસમાં નાણાંના પ્રવાહ, બેન્ક અધિકારીઓ અને સરકારી અધિકારીઓની કથિત ભૂમિકાની તપાસ ચાલુ છે.
