તહેવારોની સીઝન પહેલાં ગ્રાહકોને મોટો ઝટકો લાગી શકે છે. 1 ઓક્ટોબર, 2026થી AC, LED TV, ફ્રિજ અને વોશિંગ મશીન સહિતનાં ઘરગથ્થુ ઉપકરણોની કિંમતોમાં વધારો થવાની શક્યતા છે. ઉદ્યોગ અહેવાલો અનુસાર, એર કંડિશનરની કિંમતમાં આશરે 5થી 8 ટકાનો વધારો થઈ શકે છે, જ્યારે TV, ફ્રિજ અને વોશિંગ મશીનના ભાવમાં કેટલાક ઉત્પાદકો 3થી 4 ટકાનો વધારો કરવાની તૈયારીમાં છે.
LG Electronics Indiaએ 1 ઓક્ટોબરથી ACની કિંમતોમાં 5થી 7 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. કંપનીએ આ નિર્ણય પાછળ કોમોડિટી, લોજિસ્ટિક્સ, ઊર્જા અને વિદેશી ચલણ સંબંધિત ખર્ચમાં થયેલા વધારાનો ઉલ્લેખ કર્યો છે.
ઉદ્યોગ માટે 2026માં આ ત્રીજો ભાવવધારો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. કોપર, સ્ટીલ અને પ્લાસ્ટિક જેવી સામગ્રીના ભાવમાં વધારો તથા પશ્ચિમ એશિયાના તણાવને કારણે સપ્લાય અને ખર્ચ પર દબાણ વધ્યું છે. જોકે, તહેવારોની માંગને ધ્યાનમાં રાખીને કેટલાક ડીલરો પાસે જૂના ભાવે ખરીદાયેલો સ્ટોક ઉપલબ્ધ હોવાથી ગ્રાહકોને ટૂંકા સમય માટે અલગ-અલગ કિંમતો જોવા મળી શકે છે.
