Suzuki Motor Corporation ભારત સહિતના ગ્રોથ માર્કેટ્સ માટે નવું ડાયરેક્ટ-ઇન્જેક્શન ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન વિકસાવી રહી છે. કંપનીનો ઉદ્દેશ વધુ સારા પ્રદર્શન સાથે ઓછો ઇંધણ વપરાશ હાંસલ કરવાનો છે.

કંપનીના ટેક્નોલોજી બ્રીફિંગમાં આ એન્જિનને DITC તરીકે ઓળખાવવામાં આવ્યું છે. તેને ભવિષ્યના વાહનો માટે તૈયાર કરવામાં આવી રહેલી ટેક્નોલોજીઓમાં સ્થાન આપવામાં આવ્યું છે. જોકે, Suzukiએ હજુ એન્જિનનું કદ, પાવર આઉટપુટ અથવા કયા મોડલમાં તેનો પ્રથમ ઉપયોગ થશે તેની માહિતી આપી નથી.

વિવિધ પાવરટ્રેન પર ભાર

Suzuki એક તરફ હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક વાહનો પર કામ વિસ્તારી રહી છે, ત્યારે બીજી તરફ કમ્બશન એન્જિનની કાર્યક્ષમતા સુધારવા પર પણ ધ્યાન આપી રહી છે. કંપનીની વ્યૂહરચના મુજબ અલગ-અલગ બજારોમાં સ્થાનિક ઊર્જા પુરવઠો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્રાહકોની જરૂરિયાતને આધારે વિવિધ પાવરટ્રેનનો ઉપયોગ કરવામાં આવશે.

ભારત માટે Suzuki CNG અને બાયોગેસ ક્ષેત્રે પણ રોકાણ કરી રહી છે. આ પરિપ્રેક્ષ્યમાં પેટ્રોલ એન્જિનની કાર્યક્ષમતા વધારવાનું કામ કંપનીની વ્યાપક પાવરટ્રેન યોજના સાથે જોડાયેલું છે. ભારત કેન્દ્રિત આ ટર્બો એન્જિન Maruti Suzuki માટે ભવિષ્યમાં વધુ એક પાવરટ્રેન વિકલ્પ બની શકે છે.

થર્મલ કાર્યક્ષમતા 50 ટકા સુધી પહોંચાડવાનું સંશોધન

Suzukiએ કમ્બશન એન્જિનની થર્મલ કાર્યક્ષમતા હાલના આશરે 40 ટકાના સ્તરથી વધારીને 50 ટકા સુધી પહોંચાડવાનો સંશોધન લક્ષ્ય પણ રજૂ કર્યો છે. થર્મલ કાર્યક્ષમતા એટલે ઇંધણમાં રહેલી ઊર્જામાંથી કેટલી ઊર્જા ઉપયોગી શક્તિમાં રૂપાંતરિત થાય છે.

આ સંશોધનમાં Z12E એન્જિનથી મળેલા અનુભવના આધારે કૂલિંગ અને એક્ઝોસ્ટમાં થતી ગરમીની ખોટ, એન્જિનની અંદરનું ઘર્ષણ અને હવા ખેંચવા માટે જરૂરી ઊર્જા ઘટાડવાના રસ્તાઓ પર વિચાર થઈ રહ્યો છે. લીન કમ્બશન, વેસ્ટ-હીટ રિકવરી અને ઓછી વિસ્કોસિટીવાળા તેલ જેવી પદ્ધતિઓનો પણ અભ્યાસ થઈ રહ્યો છે. જોકે, આમાંથી કઈ ટેક્નોલોજી ઉત્પાદન માટેના DITC એન્જિનમાં સામેલ થશે તે કંપનીએ સ્પષ્ટ કર્યું નથી.