વઢવાણી મરચાંની ઓળખ તેના મોળા અને ઓછા તીખા સ્વાદથી છે. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ પંથકમાં પાકતાં આ મરચાંની ખેતીમાં બિયારણ મેળવવું સહેલું નથી. ખેતી નિષ્ણાતોના જણાવ્યા મુજબ, એક હેક્ટરમાં વાવેતર માટે આશરે 500થી 750 ગ્રામ બિયારણ જરૂરી પડે છે. ખાસ બિયારણ મેળવવા માટે પાક છોડ પર રાખવામાં આવે તો હેક્ટરદીઠ અંદાજે 150થી 250 કિલો શુદ્ધ બીજ મળી શકે છે.
પાકેલા મરચાંમાંથી બિયારણ કેવી રીતે તૈયાર થાય
સિઝનના અંતે તંદુરસ્ત છોડ પરનાં મરચાં તોડવાને બદલે છોડ પર જ સંપૂર્ણ પાકીને લાલ થવા દેવામાં આવે છે. ત્યાર બાદ મરચાં તોડીને તડકામાં સારી રીતે સૂકવાય છે. સૂકવેલા મરચાંમાંથી હાથથી બીજ અલગ કરી તેને સાફ કરવામાં આવે છે. પછી ભેજ ન લાગે તે રીતે કાપડની થેલી અથવા માટીના કોઠામાં આગામી સિઝન માટે સાચવવામાં આવે છે. આ રીતથી વઢવાણી મરચાંની પરંપરાગત જાત જાળવવામાં મદદ મળે છે.
આ વર્ષે સુરેન્દ્રનગર જિલ્લામાં લીલાં મરચાંનું વાવેતર કુલ 1,867 હેક્ટરમાં થયું છે. વઢવાણી મરચાં અને તેમાંથી બનતાં રાયતાં, અથાણાં તથા ભરેલાં મરચાં જેવાં મૂલ્યવર્ધિત ઉત્પાદનોનું બજાર અંદાજે ₹15થી ₹20 કરોડથી વધુ હોવાનું આંકવામાં આવે છે. વઢવાણ APMCમાં સિઝન દરમિયાન રોજ આશરે 1,200થી 1,500 મણ મરચાંની આવક થાય છે. અહીં એક મણ 20 કિલોનો ગણાય છે; આ પ્રમાણે દૈનિક આવક આશરે 24થી 30 ટન થાય છે.
સ્વાદ અને રાયતાં મરચાંની માંગ
નિવૃત્ત ખેતીવાડી અધિકારી જનકભાઈ કલોત્રાના જણાવ્યા મુજબ, વઢવાણી મરચાંની પરંપરાગત જાતમાં અન્ય તીખાં મરચાંની સરખામણીએ કેપ્સાઇસિનનું પ્રમાણ ઓછું હોય છે. કુદરતી શર્કરા અને ભેજને કારણે તેનો સ્વાદ મોળો લાગે છે. વઢવાણ પંથકની જમીન અને શિયાળાની આબોહવા મરચાંની જાડા અને રસદાર છાલ માટે અનુકૂળ હોવાનું પણ તેઓ જણાવે છે.
વર્ધમાન ગૃહ ઉદ્યોગનાં પન્નાબેન શુક્લના જણાવ્યા મુજબ, રાયતાં મરચાં બનાવતી વખતે રાઈ, હળદર અને મીઠા સાથે લીંબુનો રસ તથા સરસવનું તેલ વપરાય છે. એરટાઇટ પેકિંગમાં આ ઉત્પાદન 12 માસ સુધી બગડ્યા વિના રહી શકે છે. ડિસેમ્બરથી ફેબ્રુઆરીની મુખ્ય સિઝનમાં 50થી વધુ મહિલાઓ કામ કરે છે અને તેમને દૈનિક ₹350થી ₹500 સુધીની આવક મળે છે. ગૃહ ઉદ્યોગમાં વર્ષે 60,000 કિલોથી વધુ રાયતાં મરચાં વેચાય છે; તેનાથી ₹20 લાખથી વધુની આવક થતી હોવાનું જણાવાયું છે.
