રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કપાસના પાકને નુકસાન થતાં ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર, ચોમાસાની શરૂઆતમાં આશરે 9,800 હેક્ટરમાં કપાસનું વાવેતર થયું હતું. વાવેતર માટે બિયારણ, ખાતર અને મજૂરી પાછળ વીઘા દીઠ રૂ.20,000 સુધીનો ખર્ચ થયો હતો.
ખેડૂતો કહે છે કે વાવેતર પછી લગભગ એક મહિના સુધી વરસાદ ખેંચાયો હતો. ત્યારબાદ વરસાદ પડ્યો, પરંતુ તડકો, ભેજ અને ઝાકળના મિશ્ર વાતાવરણની અસર પાક પર થઈ. કપાસમાં ‘સુકારો’ અને ફાલમાં ફૂગ જોવા મળી હોવાનો તેમનો દાવો છે. પાન લાલ થઈને ખરી રહ્યાં છે અને જીંડવા સમય પહેલાં પાકી રહ્યાં છે. આ સ્થિતિને કારણે પાક નિષ્ફળ ગયો હોવાની ખેડૂતોની રજૂઆત છે.
સિંચાઈના પાણી માટે સૌની યોજનાની માંગ
ઉપલેટા પંથકમાં કપાસ ઉપરાંત મગફળી અને સોયાબીનનું પણ વાવેતર થાય છે. વરસાદના લાંબા વિરામને કારણે બોર અને કૂવાના પાણીના તળ ઊંડા ઉતર્યા છે, જેથી સિંચાઈ માટે પાણી મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. ખેડૂતો સૌની યોજના મારફતે કપાસ સહિતના પાકો માટે પાણી પૂરું પાડવાની માગ કરી રહ્યા છે.
પાકના નુકસાન સામે આર્થિક રક્ષણ મળે તે માટે જૂની પાક વીમા યોજના ફરી શરૂ કરવાની પણ ખેડૂતોની રજૂઆત છે. તેમનું કહેવું છે કે કૃષિ વિભાગે તાત્કાલિક સર્વે કરીને નુકસાનનું મૂલ્યાંકન કરવું જોઈએ અને યોગ્ય સહાય અથવા રાહત પેકેજ જાહેર કરવું જોઈએ.
ખેડૂતોના મતે, સમયસર સહાય મળે તો જ તેઓ આગામી શિયાળુ પાક માટે નવું મૂડીરોકાણ કરી શકશે. તંત્ર પગલાં નહીં લે તો ખેડૂતો અને નવી પેઢી ખેતીથી દૂર થઈ શકે તેવી ચિંતા પણ તેમણે વ્યક્ત કરી છે.
