રવી પાકની સિઝનમાં ખાતર સમયસર મળી રહે તે માટે સુરત જિલ્લામાં FFS એપ મારફતે ટોકન આધારિત વિતરણ શરૂ કરાયું છે. 13 નવેમ્બર, 2026થી અમલમાં આવેલી આ વ્યવસ્થા હેઠળ ખેડૂતો મોબાઇલથી ખાતરનું એડવાન્સ બુકિંગ કરાવી શકશે. હેતુ ખાતર ડેપો અને સહકારી મંડળીઓ પર લાગતી લાંબી કતારો ઘટાડવાનો છે.
ખેડૂતોને તેમની જમીન અને પાકની જરૂરિયાત પ્રમાણે ખાતર મેળવવામાં સરળતા રહે તે માટે એપ આધારિત વ્યવસ્થા અમલમાં મૂકાઈ છે. માત્ર જમીનના માલિક ખેડૂત જ નહીં, પરંતુ ગણોતિયા, ભાડૂત અને ભાગીયા તરીકે ખેતી કરતા ખેડૂતો પણ તેનો ઉપયોગ કરી શકશે. વન અધિકારપત્ર ધરાવતા તેમજ મંદિર, ટ્રસ્ટ કે સંસ્થાની જમીન પર ખેતી કરતા ખેડૂતોને પણ ખાતર ખરીદી માટે એપ વાપરવાની છૂટ છે. નદી કે ડેમની જમીન પર ખેતી કરતા રાજસ્વ પત્રધારકોનો પણ તેમાં સમાવેશ કરાયો છે.
એપ વાપરવામાં મદદ ક્યાંથી મળશે?
ટોકન મેળવવા અથવા એપનો ઉપયોગ કરવા અંગે મૂંઝવણ હોય તો ખેડૂતો નજીકના ખાતર ડેપો કે મંડળીનો સંપર્ક કરી શકે છે. તાલુકા ખેતીવાડી અધિકારી અને નોડલ અધિકારી ઉપરાંત ગામના ગ્રામસેવક અથવા વિસ્તરણ અધિકારી પાસેથી પણ માર્ગદર્શન મેળવી શકાશે.
સુરતના નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)ના જણાવ્યા મુજબ, જિલ્લામાં હાલમાં ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. તેથી ખેડૂતોને ગભરાઈને ખાતરનો બિનજરૂરી સંગ્રહ ન કરવા જણાવાયું છે. ખાતર ખરીદતાં પહેલાં પાક અને જમીનની જરૂરિયાતને અનુરૂપ જથ્થાનું આયોજન કરવું અને એપ સંબંધિત સહાય માટે સ્થાનિક અધિકારીઓનો સંપર્ક કરવો ઉપયોગી રહેશે.
