કેન્દ્રીય કેબિનેટે રવી માર્કેટિંગ સિઝન 2027-28 માટે છેય મુખ્ય રવી પાકના લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં વધારો મંજૂર કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી આર્થિક બાબતોની કેબિનેટ સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકારના જણાવ્યા અનુસાર, આ વધારો ખેડૂતોને પાકના યોગ્ય ભાવ અપાવવા અને કઠોળ તથા તેલિબિયાં તરફ પાક વૈવિધ્યીકરણને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવ્યો છે.

કયા પાકના MSPમાં કેટલો વધારો

કુસુમના MSPમાં પ્રતિ ક્વિન્ટલ ₹675નો સૌથી મોટો વધારો થયો છે. તેનો નવો MSP ₹7,215 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યો છે. રાયડો અને સરસવના MSPમાં ₹413નો વધારો કરીને તેને ₹6,613 પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવ્યો છે.

મસૂરના MSPમાં ₹390નો વધારો થયો છે અને નવો ભાવ ₹7,390 પ્રતિ ક્વિન્ટલ રહેશે. ચણાનો MSP ₹83 વધારીને ₹5,958 પ્રતિ ક્વિન્ટલ, જ્યારે જવનો MSP ₹136 વધારીને ₹2,286 પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવ્યો છે.

ઘઉંના MSPમાં પ્રતિ ક્વિન્ટલ ₹25નો વધારો થયો છે. 2027-28ની માર્કેટિંગ સિઝન માટે ઘઉંનો નવો MSP ₹2,610 પ્રતિ ક્વિન્ટલ રહેશે. અગાઉની 2026-27 સિઝનમાં ઘઉંનો MSP ₹2,585 પ્રતિ ક્વિન્ટલ હતો.

સરકારનો હેતુ

સરકારના જણાવ્યા અનુસાર, MSPમાં કરાયેલા સુધારા ઉત્પાદન ખર્ચના ઓલ-ઇન્ડિયા વેઇટેડ એવરેજના ઓછામાં ઓછા 1.5 ગણો ભાવ નક્કી કરવાની નીતિ સાથે સુસંગત છે. કુસુમ, રાયડો-સરસવ અને મસૂર જેવા પાકમાં વધુ વધારો કરીને તેલિબિયાં અને કઠોળનું ઉત્પાદન વધારવાનો સંદેશ આપવામાં આવ્યો છે. MSP હેઠળ સરકારી ખરીદી ઉપલબ્ધ હોય ત્યારે ખેડૂતોને નિર્ધારિત ભાવ અથવા ખુલ્લા બજારના વધુ ફાયદાકારક ભાવમાંથી પસંદગી કરવાનો વિકલ્પ રહે છે.