રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાયેલા 12 દિવસીય રાષ્ટ્રીય કક્ષાના સરસ મેળામાં સખી મંડળોની બહેનોએ કુલ ₹5.12 કરોડનું વેચાણ કર્યું. મેળામાં 165 સ્ટોલ દ્વારા વિવિધ ચીજવસ્તુઓનું વેચાણ થયું હતું. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને તૈયાર કરેલી વસ્તુઓની ખરીદીથી મેળાના વેચાણને વેગ મળ્યો હતો.

હસ્તકલા, હેન્ડીક્રાફ્ટ, આરી વર્ક, કાશ્મીરી શાલ, દિવાળી સજાવટની વસ્તુઓ અને ઘરવપરાશની ચીજવસ્તુઓ મેળામાં વેચાણ માટે મૂકવામાં આવી હતી. રાજકોટના મુલાકાતીઓએ આ વસ્તુઓની ખરીદી કરી હતી. મેળામાં ભાગ લેનાર જૂથોમાં ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢનાં સ્વસહાય જૂથો પણ સામેલ હતાં.

સૌથી વધુ વેચાણ કરનાર જૂથો

વેચાણમાં ઉત્તર પ્રદેશના ‘રાની એસએચજી’એ ₹27,35,099 સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ઉત્તર પ્રદેશના જ ‘મુસ્કાન એસએચજી’એ ₹17,63,042નું વેચાણ કર્યું, જ્યારે છત્તીસગઢના ‘ધનાઈ દાઈ એસએચજી’નું વેચાણ ₹13,52,872 રહ્યું. શ્રેષ્ઠ વેચાણ કરનાર પ્રથમ ત્રણ સ્ટોલધારકો ઉપરાંત શ્રેષ્ઠ ડિસ્પ્લે ધરાવતા ત્રણ સ્ટોલધારકોને પણ પુરસ્કાર અપાયા હતા. જિલ્લા પંચાયત પ્રમુખ સંજય પીપળીયાના હસ્તે વિજેતાઓનું સન્માન કરાયું.

ફૂડ ઝોનમાં ₹16.48 લાખનું વેચાણ

મેળાના ફૂડ ઝોનમાં 10 સ્ટોલ હતાં. ત્યાં ઇડલી, ભૂંગળા-બટેટા, ઘૂઘરા, આઇસ્ક્રીમ, ગુજરાતી થાળી, ચા, સોડા, સ્ટીમ ઢોકળાં અને પાણીપુરી જેવી વાનગીઓ મળતી હતી. આ 10 સ્ટોલનું 12 દિવસનું કુલ વેચાણ ₹16,48,681 નોંધાયું હતું.

રાજકોટના ‘જય સતીમા મિશન મંગલમ’ જૂથે ₹4,21,016ના વેચાણ સાથે ફૂડ ઝોનમાં પ્રથમ સ્થાન મેળવ્યું. ‘જય ભીમ મિશન મંગલમ’નું વેચાણ ₹2,40,614, ‘ભૂમિ મિશન મંગલમ’નું ₹2,20,176 અને ‘સુંદરમ મિશન મંગલમ’નું ₹2,10,604 રહ્યું.

મેળા દરમિયાન સ્વસહાય જૂથોને ઓનલાઇન વેચાણ સાથે જોડવા માટે ઓનબોર્ડિંગ અને રજિસ્ટ્રેશન પણ કરાયું. રાજકોટ જિલ્લાના 43 સ્વસહાય જૂથોનું ONDC પ્લેટફોર્મ પર સફળતાપૂર્વક રજિસ્ટ્રેશન થયું હતું.