રાજકોટ શહેરથી પશ્ચિમે આશરે 22 કિલોમીટર દૂર ખીરસરા ગામ નજીક આવેલા સદ્ભાવના બળદ આશ્રમમાં ખેડૂતો પોતાના બળદોને સોંપવા પહોંચી રહ્યા છે. વર્ષોથી પરિવારના સભ્યની જેમ ઉછેરેલા બળદોથી વિખૂટા પડતી વખતે અનેક ખેડૂતો ભાવુક બન્યા હતા.

ચમનભાઈ અભંગી નામના ખેડૂત પોતાના ‘ગોરિયા’ નામના બળદને આશ્રમમાં મૂકવા આવ્યા હતા. તેમણે જણાવ્યું કે નબળા વર્ષ, ઘાસચારાની અછત અને ખેતરમાં પાણીની અછતને કારણે બળદોને હવે સાચવવા મુશ્કેલ બન્યું છે. તેઓ ઘણા વર્ષોથી આ બળદની સંભાળ રાખતા હતા.

ખેડૂતોનું કહેવું છે કે ખેતીમાં ખર્ચ વધ્યો છે અને બળદોની જાળવણી કરવી મુશ્કેલ બની રહી છે. બીજી તરફ, બળદોને વેચવાનો પણ તેમનો જીવ ચાલતો નથી. આ કારણે કેટલાક લોકો તેમને આશ્રમમાં મૂકવાનો નિર્ણય લઈ રહ્યા છે.

સદ્ભાવના બળદ આશ્રમની શરૂઆત વૃદ્ધ અને બીમાર બળદોની સેવા માટે કરવામાં આવી હતી. અહીં પહોંચતા ખેડૂતો બળદોને સોંપ્યા બાદ ભાવુક થઈ પોતાના ગામ પરત ફરી રહ્યા છે.