રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકે ખેડૂતો અને સહકારી મંડળીઓ માટે અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. બેંકના ચેરમેન જયેશ રાદડિયાએ વર્ષ 2026-27ના ખરીફ પાક માટે કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) હેઠળ ₹5,000 કરોડના ધિરાણ અને મંડળીઓને 1.50% વ્યાજ માર્જિન આપવાની જાહેરાત કરી છે. આથી મંડળીઓને કુલ ₹75 કરોડનો સીધો લાભ થવાનો દાવો કરવામાં આવ્યો છે.
કૃષિ તત્કાલ લોનની મહત્તમ મર્યાદા ₹7.00 લાખથી વધારીને ₹10.00 લાખ કરવામાં આવી છે. આ લોન હેઠળ એકર દીઠ મર્યાદા ₹80,000 રહેશે. કૃષિ વિકાસ લોનની મર્યાદા પણ ₹4.00 લાખથી વધારીને ₹6.00 લાખ કરાઈ છે, જ્યારે એકર દીઠ મર્યાદા ₹60,000 રહેશે.
મંડળીઓ માટે નવી કેશ ક્રેડિટ યોજના
ખાતર, બાયો ફર્ટિલાઈઝર, જંતુનાશક દવાઓ અને બિયારણના વ્યવસાય માટે પેક્સ-કેશ ક્રેડિટ લોન યોજના શરૂ કરવામાં આવી છે. તેમાં 9.50% વ્યાજદરે ₹25,00,000 સુધીની લોન મળશે અને રાજ્ય સરકાર તરફથી 5% વ્યાજ સહાય મળવાપાત્ર રહેશે.
પાત્ર કામગીરી કરનાર મંડળીના મંત્રીને ₹10,000 પ્રોત્સાહન તથા વર્ષ 2027-28માં નવા ખેડૂતોને KCC હેઠળ જોડવા બદલ સ્ટાફ માટે અંદાજિત ₹25 લાખનું ઇન્સેન્ટિવ ફાળવવાની જાહેરાત પણ કરાઈ છે.
