રાજકોટ જિલ્લા સહકારી બેંકે ખેડૂતો અને સહકારી મંડળીઓ માટે અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. વર્ષ 2026-27ના ખરીફ પાક માટે કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) હેઠળ કુલ રૂ.5,000 કરોડનું ધિરાણ કરવામાં આવ્યું છે. આ ધિરાણ પર સહકારી મંડળીઓને 1.50% વ્યાજ માર્જિન આપવાની જાહેરાત કરવામાં આવી છે.
ખેડૂતો માટેની ટર્મ લોનની મર્યાદામાં પણ વધારો કરાયો છે. કૃષિ તત્કાલ લોન હેઠળ અગાઉ એકર દીઠ રૂ.80,000 મુજબ મહત્તમ રૂ.7.00 લાખ મળતા હતા. હવે આ મર્યાદા વધારીને રૂ.10.00 લાખ કરવામાં આવી છે.
કૃષિ વિકાસ લોનમાં અગાઉની મહત્તમ રૂ.4.00 લાખની મર્યાદા વધારીને રૂ.6.00 લાખ કરવામાં આવી છે. આ યોજના હેઠળ એકર દીઠ રૂ.60,000 મુજબ ધિરાણની જોગવાઈ રહેશે.
બેંકના કાર્યક્ષેત્રમાં વધુ ખેડૂતોને KCC સાથે જોડવા માટે વિશેષ અભિયાન હાથ ધરાશે. વર્ષ 2027-28માં સેવા મંડળીઓ દ્વારા નવા ખેડૂતોને KCC હેઠળ આવરી લેવાના પ્રમાણના આધારે મંડળીના સ્ટાફને પ્રોત્સાહન આપવા અંદાજિત રૂ.25 લાખનું ઇન્સેન્ટિવ ફાળવવાની પણ જાહેરાત કરાઈ છે.
