સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં પાવરગ્રિડ માટે જમીન અધિગ્રહણ, ખેતરો વચ્ચેથી પસાર થતી વીજલાઈનો અને વીજ ટાવરોના મુદ્દે ખેડૂતોનો વિરોધ વધુ ઉગ્ર બન્યો છે. યોગ્ય વળતર અને જમીન અધિગ્રહણનો આદેશ રદ કરવાની માંગ સાથે ખેડૂતો હવે તબક્કાવાર આંદોલન કરવાની તૈયારીમાં છે.
આગામી કાર્યક્રમોની રણનીતિ નક્કી કરવા રવિવારે ઓલપાડ તાલુકાના આંધી ગામે ખેડૂત આગેવાનોની બેઠક મળી હતી. બેઠકમાં આંદોલનને વધુ અસરકારક બનાવવાનો નિર્ણય લેવાયો હતો. તેમાં પ્રદેશ કોંગ્રેસ કિસાન મોરચાના પ્રમુખ જયેશ પટેલ (પાલ), ખેડૂત આગેવાન દર્શન નાયક, ભરૂચ જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ સંદીપ માંગરોલા, દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલ (ઓરમા) અને સુમુલ ડેરીના પૂર્વ ડિરેક્ટર જયેશ પટેલ (દેલાડ) સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
12 ઓક્ટોબરે કલેક્ટર કચેરીએ રેલી
બેઠકમાં નક્કી કરાયું છે કે 12 ઓક્ટોબરે ખેડૂતો રેલી યોજીને સુરત કલેક્ટર કચેરીએ પહોંચશે. અહીં 16 એકર જમીનના અધિગ્રહણ અંગે કરવામાં આવેલા આદેશને પરત ખેંચવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવશે. ખેડૂતો કલેક્ટર કચેરીનો ઘેરાવ પણ કરશે.
ખેડૂત આગેવાનોના જણાવ્યા અનુસાર, પાવરગ્રિડ માટેની કામગીરીથી ખેતીની જમીન, વીજલાઈનો અને ટાવરોને લઈને ખેડૂતોમાં અસંતોષ છે. આ ઉપરાંત અસરગ્રસ્ત જમીન માટે યોગ્ય વળતર ન મળવાનો મુદ્દો પણ આંદોલનના કેન્દ્રમાં છે.
નિરાકરણ નહીં આવે ત્યાં સુધી સત્યાગ્રહ
ખેડૂતોનું કહેવું છે કે 16 એકર જમીનના અધિગ્રહણ આદેશ અંગે સરકાર અને તંત્ર તરફથી સંતોષકારક નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ઓલપાડમાં અચોક્કસ મુદતની સત્યાગ્રહ છાવણી શરૂ કરવામાં આવશે. આ છાવણીમાં દેશભરના ખેડૂત આગેવાનોને આમંત્રિત કરવાની પણ યોજના છે.
બેઠકમાં આંદોલનને આગામી દિવસોમાં વધુ વ્યાપક બનાવવાની ચર્ચા થઈ હતી. ખેડૂત આગેવાનોએ ચેતવણી આપી છે કે પ્રશ્નનું નિરાકરણ નહીં આવે અને આંદોલન વધુ ઉગ્ર બનશે તો નેશનલ હાઈવે અથવા એક્સપ્રેસ-વે પર શાંતિપૂર્ણ રીતે વાહનો રોકીને ચક્કાજામ કરવામાં આવી શકે છે. આ અંગેનો અંતિમ કાર્યક્રમ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે.
