મોરબી જિલ્લાના જેતપર ગામમાં ખેતરોમાંથી વીજલાઇન પસાર કરવા માટે થાંભલા ઊભા કરવાની કામગીરી અને જમીનના વળતર મુદ્દે ખેડૂતોનું આંદોલન ચાલુ છે. શુક્રવારે મોટી સંખ્યામાં ખેડૂતો જિલ્લા સેવા સદન ખાતે એકત્ર થયા હતા અને માર્કેટ રેટ કમિટી (MRC)માં જોડાવા માટે આપવામાં આવેલી નોટિસ સામે રજૂઆત કરી હતી.
ખેડૂતોનું કહેવું છે કે સરકારનો વળતર અંગેનો પરિપત્ર જ તેમને સ્વીકાર્ય નથી, તેથી MRCમાં જોડાવાનો પ્રશ્ન ઊભો થતો નથી. ખેડૂત આગેવાન નેહુલ અમૃતિયાના જણાવ્યા અનુસાર, તેમની 24 મુદ્દાની માગણીઓને લઈને ચાર મહિનાથી આંદોલન ચાલી રહ્યું છે. ખેડૂતો હવે વિવિધ સમાજો પાસેથી સમર્થન મેળવવા અને દિવાળી પછી મહાપંચાયત યોજવાની તૈયારી કરી રહ્યા છે.
તંત્રનું શું કહેવું છે?
મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે 4 જુલાઈના સરકારી પરિપત્ર મુજબ MRCની રચના કરવામાં આવી છે. પાંચ તાલુકાના 4 હજારથી વધુ ખેડૂતોને હાજર રહેવા માટે નોટિસ આપવામાં આવી હતી. જે ખેડૂતો હાજર રહી શક્યા નથી તેમને વધુ એક તક આપવામાં આવશે.
કલેક્ટરના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 109 ખેડૂતોનું વૅલ્યૂએશન પૂર્ણ થયું છે અને 44 ખેડૂતોને મળવાપાત્ર રકમ તેમના ખાતામાં જમા થઈ ગઈ છે. તંત્રનો હેતુ ખેડૂતોને MRCમાં જોડાવા, પોતાનો પ્રતિનિધિ અને વૅલ્યૂઅર નિયુક્ત કરવાની તક આપવાનો છે.
તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ તબક્કે રેટ નક્કી કરવાના નથી, પરંતુ વૅલ્યૂઅર નક્કી કરવાના છે. વૅલ્યૂઅર નક્કી થયા બાદ પરિપત્રની જોગવાઈ મુજબ 21 દિવસમાં ખેતર પર જઈને ખેડૂત સાથે મળીને મૂલ્યાંકન કરવામાં આવશે. કંપની અને સરકારના વૅલ્યૂઅર કામગીરી કરશે અને 21 દિવસ બાદ ભાવ બંધ કવરમાં આપવામાં આવશે.
કલેક્ટરના જણાવ્યા મુજબ, દર શુક્રવારે બપોરે 3 વાગ્યે MRCની બેઠક યોજાય છે. પાંચેય કમિટી રૂમમાં વૅલ્યૂઅર ઉપલબ્ધ રાખવામાં આવ્યા છે. સરકારનો દાવો છે કે પરિપત્રમાં ખેડૂતોનું પ્રતિનિધિત્વ અને યોગ્ય તથા વાજબી વળતર સહિતની તેમની માગણીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વિવાદનું કારણ શું છે?
કચ્છના ખાવડાથી મોરબી જિલ્લાના હળવદ સુધી વીજળી પહોંચાડવા માટે આશરે 300 કિલોમીટર લાંબી વીજલાઇન નાખવામાં આવી રહી છે. આ સંયુક્ત પ્રોજેક્ટ હેઠળ જેતપર ગામમાં હળવદ ટ્રાન્સમિશન લિમિટેડ દ્વારા ખેડૂતોની જમીનમાં થાંભલા ઊભા કરવાની કામગીરીનો વિરોધ થઈ રહ્યો છે.
ટ્રાન્સમિશન કંપની એક થાંભલા માટે આશરે 492 ચોરસ મીટર જમીનનો ઉપયોગ કરી રહી છે. થાંભલા પરના તાર માટે ખેડૂતોની જમીન ઉપર આશરે 67 મીટર પહોળો પટ્ટો બનશે.
જુલાઈની શરૂઆતમાં જંત્રીના બમણા ભાવ પ્રમાણે વળતર આપવાની જાહેરાત સામે ખેડૂતોએ બજારભાવના આધારે વળતરની માગ કરી હતી. ત્યારબાદ 4 જુલાઈના પરિપત્રમાં જમીનની બજારકિંમતના બમણા ભાવના આધારે વળતર નક્કી કરવા MRC બનાવવાની જોગવાઈ કરવામાં આવી હતી. જોકે, ખેડૂતો આ વ્યવસ્થાનો વિરોધ ચાલુ રાખી રહ્યા છે.
