જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં સપ્ટેમ્બરના વરસાદથી ખેતરોમાં પાક ફરી લીલો દેખાવા લાગ્યો છે, પરંતુ ખેડૂતોની મુશ્કેલી ઓછી થઈ નથી. ઓછો અને મોડો વરસાદ, સિંચાઈના મર્યાદિત સાધનો અને ઘાસચારાની તંગીને કારણે કેટલાક ખેડૂતોને પોતાના બળદોને આશ્રમમાં મૂકવાની ફરજ પડી રહી છે.

12 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. તેનાથી સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં મુરઝાતા પાકોને થોડું નવજીવન મળ્યું. જોકે, છેલ્લા ચારેક દિવસથી વરસાદમાં વિરામ છે અને ખેડૂતોનું કહેવું છે કે ભાદરવામાં પડેલો વરસાદ ચોમાસાના પાક માટે પૂરતો નથી.

બળદોને આશ્રમમાં મૂકવાની લાચારી

જામજોધપુર તાલુકાના નરમાણા ગામના ખેડૂત ચમનભાઈ અભંગી પાસે કુલ 22 વીઘા જમીન છે. તેમના ખેતરમાં સોયાબીનનો પાક હાલ લીલો દેખાય છે, છતાં તેમણે 21 સપ્ટેમ્બરે પોતાના બળદોની જોડને રાજકોટ નજીક ખીરસરા ગામના ‘સદ્ભાવના બળદ આશ્રમ’માં મૂકી દીધી હતી. નરમાણાથી આશ્રમનું અંતર આશરે 65 કિલોમીટર છે.

ચમનભાઈના જણાવ્યા અનુસાર, ગયા વર્ષે માવઠાથી નીરણ બગડ્યું હતું. આ વર્ષે વરસાદની રાહ જોતા તેમણે બળદો માટે નીરણ ખરીદ્યું, જેના પર 40 હજાર રૂપિયાથી વધુ ખર્ચ થયો. પરિવારની સારવાર અને અન્ય જવાબદારીઓના ખર્ચને કારણે બળદોનો નિભાવ કરવો મુશ્કેલ બન્યો હતો. બળદોને આશ્રમમાં લઈ જવા માટે ખટારાનું 2,500 રૂપિયા ભાડું ચૂકવવું પડ્યું.

તેમણે 3,200 રૂપિયાના મણના ભાવે 15 મણ દાણા ખરીદીને મગફળી વાવી હતી, જેમાં કુલ આશરે 60 હજાર રૂપિયાનો ખર્ચ થયો. વરસાદ ન પડવાથી મગફળીનું બિયારણ નિષ્ફળ ગયું. ત્યારબાદ 2,400 રૂપિયાના ભાવે 18 મણ સોયાબીન ખરીદીને વાવ્યું, પરંતુ બોરમાં પાણી ન હોવાથી પિયત આપી શકાઈ નહીં. તાજેતરના વરસાદથી પાક લીલો થયો છે, પણ ફૂલ અને શિંગા બેસવાનો સમય પસાર થઈ ગયો હોવાનું તેઓ કહે છે.

પાક લીલો, પરંતુ ઉત્પાદન અંગે આશંકા

જામજોધપુર તાલુકામાં 23 સપ્ટેમ્બર સુધીમાં 16 ઇંચ વરસાદ નોંધાયો છે. છેલ્લા 30 વર્ષમાં તાલુકાની સરેરાશ 32 ઇંચ છે. એટલે આ વર્ષે સરેરાશનો 50 ટકા વરસાદ જ થયો છે. 12 સપ્ટેમ્બર પહેલાં સરેરાશ 12 ઇંચ વરસાદ હતો અને ત્યારબાદના વરસાદી રાઉન્ડમાં સરેરાશ ચાર ઇંચ વરસાદ પડ્યો.

જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અને શેઠ વડાળા સીટના સભ્ય પરેશ હિરપરાના જણાવ્યા અનુસાર, જામજોધપુર તાલુકાનાં 68 ગામોમાંથી 23 ગામોની સ્થિતિ ખાસ ચિંતાજનક છે. શરૂઆતના વરસાદ બાદ 35 દિવસ સુધી વરસાદ ન પડતાં પાક સૂકાવા લાગ્યો હતો. સપ્ટેમ્બરના વરસાદથી પાક લીલો થયો છે, પરંતુ તેમાં દાણા કે ઉત્પાદન ઓછું રહેવાની આશંકા છે. જેમના બોર કે કૂવામાં પાણી હતું તેઓ પિયત આપી શક્યા, છતાં ઉત્પાદન 50 ટકા જેટલું જ રહેવાની શક્યતા તેમણે વ્યક્ત કરી.

જામજોધપુર તાલુકામાં 62,100 હેક્ટર ખેતીની જમીન છે, પરંતુ માત્ર 8,119 હેક્ટરમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ છે. મગફળી, કપાસ અને સોયાબીન અહીંના મુખ્ય ખરીફ પાકો છે.

નરમાણાના ખેડૂત છગનભાઈ હિરપરાના જણાવ્યા અનુસાર, બોરનું પાણી ઘટી જતાં 10 વીઘામાં વાવેલી મગફળીમાં માત્ર બીજથી બમણું ઉત્પાદન મળવાની શક્યતા છે. તેમના મતે, આ સ્થિતિમાં ખેતીનો ખર્ચ કાઢવો અને પશુધનનો નિભાવ કરવો બંને મુશ્કેલ બન્યા છે.

જિલ્લા પંચાયતે વરસાદની અછત અંગે સરકારને પત્ર લખ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે સારો વરસાદ પડે તો ચોમાસાના પાકને તાત્કાલિક લાભ ન મળે, પરંતુ શિયાળુ પાક માટે પાણીની શક્યતા ઊભી થઈ શકે છે. નજીકના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ, કલ્યાણપુર, ખંભાળિયા અને દ્વારકા તાલુકાઓમાં પણ ઓછો વરસાદ નોંધાયો છે.