જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ભાદરવા મહિનાના વરસાદથી ખેતરોમાં ઊભેલા પાકને નવજીવન મળ્યું છે. વાડીઓમાં પાક લીલોછમ દેખાઈ રહ્યો છે અને ખેડૂતોને મોસમમાં કંઈક લણણી થવાની આશા પણ બંધાઈ છે. જોકે, આ આશાવાદ વચ્ચે ઘણા ખેડૂતો આગામી દિવસોને લઈને ચિંતિત છે.

12 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ થયો હતો. ત્યારબાદ છેલ્લા ચાર દિવસથી વરસાદે વિરામ લીધો છે. ખેડૂતોનું કહેવું છે કે ભાદરવામાં પડેલો વરસાદ પૂરતો નથી અને હવે વરસાદ ન પડે તો પાક તથા પશુધન બંને સંભાળવા મુશ્કેલ બની શકે છે.

આ ભીતિના કારણે કેટલાક ખેડૂતો પોતાના બળદોને પાંજરાપોળ અને બળદ આશ્રમમાં સોંપી રહ્યા છે. જામજોધપુર તાલુકાના મોટા ભાગના વિસ્તારોમાં આ સ્થિતિ જોવા મળી રહી છે.

રાજસ્થાનમાંથી ચોમાસાની વિદાય શરૂ થવાની હવામાન વિભાગની માહિતી વચ્ચે ખેડૂતો માટે આગામી દિવસો નિર્ણાયક બની શકે છે. ખેતરો હાલ હરિયાળા હોવા છતાં પાણીની અનિશ્ચિતતા અને ખેતીના વધતા ખર્ચે તેમની ચિંતા યથાવત રાખી છે.