ગાંધીનગર: પોષણ માહ-2026 અંતર્ગત ગુજરાતમાં 27 સપ્ટેમ્બર, 2026 સુધીમાં 2.43 કરોડથી વધુ પોષણ સંબંધિત પ્રવૃત્તિઓ નોંધાઈ છે. આ કામગીરી સાથે ગુજરાત દેશના અગ્રેસર રાજ્યોમાં સામેલ થયું છે. રાજ્યમાં અભિયાન ‘આપણી આંગણવાડી, આપણી જવાબદારી’ના સૂત્ર સાથે ચલાવવામાં આવી રહ્યું છે.

મહિલા અને બાળ વિકાસ વિભાગે 56.13 લાખ પ્રવૃત્તિઓ હાથ ધરી હતી, જ્યારે અન્ય સંબંધિત વિભાગો અને સંસ્થાઓ દ્વારા આશરે 1.87 કરોડ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ, આયુષ, ગ્રામ વિકાસ, પંચાયત તથા શિક્ષણ વિભાગો આ અભિયાનમાં મુખ્ય ભાગીદાર રહ્યા છે. મહિસાગર, વલસાડ, પાટણ, આણંદ અને મહેસાણા જિલ્લાઓમાં સૌથી વધુ પ્રવૃત્તિઓ નોંધાઈ હતી.

આંગણવાડી કેન્દ્રોને પોષણના કેન્દ્ર તરીકે વિકસાવવાનો પ્રયાસ

અભિયાનમાં આહારની વિવિધતા અને પ્રોટીનયુક્ત ખોરાક અંગે જાગૃતિ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. બાજરી સહિતના મિલેટ્સ, કઠોળ, લીલા શાકભાજી, ફળો, દૂધ, સૂકા મેવા અને બીજ જેવા સ્થાનિક સ્તરે ઉપલબ્ધ પૌષ્ટિક ખોરાકના ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આંગણવાડી કેન્દ્રોમાં પૌષ્ટિક વાનગીઓના નિદર્શન, પોષણ મેળા અને સંતુલિત આહાર અંગે કાઉન્સેલિંગ પણ યોજાઈ રહ્યાં છે.

બાળકોના જીવનના પ્રથમ 1,000 દિવસ અને છ વર્ષ સુધીના પ્રારંભિક બાળ વિકાસ પર પણ અભિયાનમાં ધ્યાન અપાઈ રહ્યું છે. બાળકોનું વજન-ઊંચાઈ માપન, Poshan Trackerમાં નોંધણી અને કુપોષિત બાળકોની વહેલી ઓળખ સાથે આરોગ્ય વિભાગ મારફતે રેફરલ તથા સારવારની વ્યવસ્થા પર ભાર છે.

રાષ્ટ્રીય સ્તરે Poshan Maah 2026નું આયોજન 9 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર સુધી કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે આંગણવાડી કેન્દ્રોમાં સમુદાયની ભાગીદારી, તાજા ગરમ ભોજન, પોષણ જાગૃતિ અને પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનાના 10 વર્ષ જેવા મુદ્દાઓને અભિયાનના કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે.