દાહોદ જિલ્લાના દેવગઢબારીઆ તાલુકામાં ચોમાસા દરમિયાન અપૂરતા વરસાદના કારણે વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. તાલુકામાં મકાઈ, ડાંગર, મગફળી, કપાસ, તુવેર, મગ, અડદ અને સોયાબીન સહિતના પાકો પર વરસાદની ઘટની અસર પડી રહી છે.
સ્થાનિક સ્તરે ગામડાંનાં તળાવો, કૂવાઓ અને નદીઓમાં પાણીની સ્થિતિ પણ નબળી હોવાનું જણાવાયું છે. શરૂઆતમાં સારો વરસાદ થતાં ખેડૂતોને ચોમાસું અનુકૂળ રહેવાની આશા હતી, પરંતુ ત્યારબાદ વરસાદ ખેંચાતા પાકો નિષ્ફળ જવાની આરે પહોંચ્યા છે.
દેવગઢબારીઆ તાલુકામાં ખેડૂતો સામાન્ય વરસાદના આધારે મકાઈ, ડાંગર, સોયાબીન, તુવેર, મગફળી, મગ, અડદ, કપાસ, શણ, બાજરી, જુવાર અને બાવટા સહિતના પાકોની વાવણી કરે છે. આ વર્ષે બીજ, ખોળ, ખાતર, ખેડાણ અને મજૂરી પાછળ ખર્ચ કર્યા બાદ પાકને પૂરતું પાણી ન મળતાં ખેડૂતોની આર્થિક ચિંતા વધી છે.
પાક નિષ્ફળ જવાની ભીતિથી વધતી આર્થિક ચિંતા
ખેડૂતોનું કહેવું છે કે પાક નિષ્ફળ જાય તો ખેતી માટે લીધેલું ધિરાણ કેવી રીતે ચૂકવવું તે મોટો પ્રશ્ન બની શકે છે. વરસાદ આધારિત ખેતી પર નિર્ભર પરિવારો માટે ઉત્પાદન ઘટવાથી ઘરખર્ચ અને આગામી વાવણી બંને પર અસર થવાની ચિંતા છે.
ખેડૂતોના હિતમાં સરકાર પાકની સાચી આનાવારી નક્કી કરે તેવી માગ ઉઠી છે. સાથે જ પાક વીમાની સહાય જાહેર કરવા અને ખેત ધિરાણ માફી યોજના અમલમાં મૂકવા પણ રજૂઆત કરવામાં આવી છે.
