ભાવનગર જિલ્લામાં બાગાયતી લીંબુની ખેતી કરતા ખેડૂતો માટે હાલ ભાવનો તફાવત ચિંતાનો વિષય બન્યો છે. માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને લીંબુના પ્રતિ કિલો રૂ.100થી રૂ.150 જેટલા ભાવ મળી રહ્યા છે, જ્યારે સ્થાનિક માર્કેટમાં એ જ લીંબુ રૂ.250થી રૂ.300 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે.

આ સ્થિતિને કારણે ખેડૂત અને ગ્રાહક બંને વચ્ચે ભાવનું મોટું અંતર જોવા મળી રહ્યું છે. ખેડૂતોને મળતા ભાવ અને સ્થાનિક બજારમાં વસૂલાતી કિંમત વચ્ચેનો તફાવત વચેટિયા તથા કમિશન એજન્ટોની ભૂમિકા અંગે સવાલો ઊભા કરે છે. જોકે આ તફાવતમાં ચોક્કસ કોને કેટલો લાભ મળે છે, તે અંગે સ્પષ્ટ વિગતો સામે આવી નથી.

ભાવનગરમાં લીંબુનું વાવેતર

જિલ્લામાં અંદાજે 6.105 હેક્ટર વિસ્તારમાં બાગાયતી લીંબુનું વાવેતર થયું છે. સિહોર, પાલિતાણા, જેસર અને તળાજા વિસ્તારમાં લીંબુનું ઉત્પાદન થાય છે.

સામાન્ય રીતે ઉનાળામાં માંગ વધતાં લીંબુના ભાવમાં વધારો થાય છે, પરંતુ સપ્ટેમ્બર 2026માં પણ સ્થાનિક બજારમાં ભાવ ઊંચા રહેતા ખેડૂતોને તેમના ઉત્પાદનનો યોગ્ય ભાવ મળવા અને ગ્રાહકોને વાજબી કિંમતે લીંબુ ઉપલબ્ધ કરાવવા માટે માર્કેટિંગ વ્યવસ્થામાં રહેલા તફાવત પર ધ્યાન આપવાની જરૂરિયાત સામે આવી છે.