ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભરૂચ જિલ્લાની બે દિવસીય મુલાકાત દરમિયાન પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપતા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. હલદરવા, દીવી અને જૂના બોરભાઠા ગામે યોજાયેલા કાર્યક્રમોમાં તેમણે ખેડૂતો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો.

હલદરવા ગામની પ્રાથમિક શાળામાં રાત્રિ રોકાણ બાદ રાજ્યપાલે વહેલી સવારે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગ્રામજનો સાથે યોગાભ્યાસ કર્યો હતો. તેમણે યોગને દૈનિક જીવનમાં અપનાવવાની અપીલ કરી હતી. બાળકો અને યુવાનો મોબાઇલના વધુ પડતા ઉપયોગથી દૂર રહી અભ્યાસ અને નૈતિક સંસ્કારો પર ધ્યાન આપે, એવો અનુરોધ પણ કર્યો હતો.

અંકલેશ્વર તાલુકાના દીવી ગામે પ્રગતિશીલ ખેડૂત બળવંતભાઈ પટેલના પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની મુલાકાત દરમિયાન રાજ્યપાલે ગાયનું દોહન કર્યું હતું. દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા ખેડૂતોને પ્રેરિત કરતાં તેમણે કહ્યું હતું કે આ પદ્ધતિથી ખેતીનો ખર્ચ ઘટાડી શકાય છે અને જમીનની ફળદ્રુપતા જાળવી શકાય છે.

જૂના બોરભાઠામાં ખેડૂતોને માર્ગદર્શન

જૂના બોરભાઠા ગામે યોજાયેલા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં રાજ્યપાલે રાસાયણિક ખેતીના વિકલ્પ તરીકે પ્રાકૃતિક ખેતી અપનાવવા ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. તેમના જણાવ્યા મુજબ, ગુજરાતમાં આઠ લાખથી વધુ અને ભરૂચ જિલ્લામાં ૨૨ હજારથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા છે. પરિસંવાદમાં સફળતાપૂર્વક પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનું સન્માન પણ કરાયું હતું.

જિલ્લા કલેક્ટર ડૉ. નવનાથ ગવ્હાણેએ જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી માટે ૧૮૦ ક્લસ્ટર તૈયાર કરાયાં છે અને ૨૨,૫૦૦થી વધુ ખેડૂતો આ ખેતી માટે સજ્જ થયા છે. તેમણે વધુમાં જણાવ્યું કે પ્રાકૃતિક કૃષિ પેદાશોના વેચાણ માટે જિલ્લામાં આશરે ૪૯ કેન્દ્રો કાર્યરત છે. કાર્યક્રમમાં પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ, ધારાસભ્યો, વહીવટી અધિકારીઓ, ખેડૂતો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.