બનાસકાંઠાના વાવ-થરાદ વિસ્તારમાં આવેલી ભાભર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC)ના ડિરેક્ટરની ચૂંટણી માટે 28 સપ્ટેમ્બર, 2026ના રોજ મતદાન યોજાયું હતું. વેપારી વિભાગની કુલ બેઠકોમાંથી ચાર બેઠકો બિનહરીફ થતા હવે 10 બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

ખેડૂત વિભાગની 10 બેઠકો માટે કુલ 14 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા હતા. ગ્રામ્ય વિસ્તારની સહકારી મંડળીઓના પદાધિકારીઓ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર પણ ભાભર APMC ખાતે મતદાન કરવા પહોંચ્યા હતા.

મતદાન બાદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે આ ખેડૂતોની ચૂંટણી છે, તેને ભાજપ કે કોંગ્રેસની ચૂંટણી તરીકે જોવી જોઈએ નહીં. તેમણે ચૂંટણી પ્રક્રિયા પારદર્શક રીતે યોજાય, યોગ્ય મતદાર યાદી તૈયાર થાય અને સંબંધિત તમામ મતદારોને યોગ્ય મતાધિકાર મળે તેવી માગ કરી હતી.

તેમણે લાઇસન્સ ધરાવતા તમામ વેપારીઓને મતાધિકાર આપવાની પણ વાત કરી હતી. સાથે જ ભાભર APMC ભ્રષ્ટાચારમુક્ત બને અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખેડૂતો તથા વેપારીઓના હિતમાં કામગીરી કરે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. તેમણે ચૂંટણી લડી રહેલા તમામ ઉમેદવારોને શુભેચ્છા પાઠવી હતી.