કચ્છના રાપર તાલુકાના આડેસર ખાતે પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. વાગડ વિસ્તારમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અને ખેડૂતોને તેમની ઝેરમુક્ત ઉપજ માટે યોગ્ય બજાર મળી રહે તે હેતુથી આ કેન્દ્ર શરૂ કરાયું છે.

કેન્દ્રનું સંચાલન ‘આડેસર વિસ્તાર ખેત ઉત્પાદન પ્રોડ્યુસર કંપની લિમિટેડ’ (FPO) કરશે. આ પહેલ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા (ATMA) યોજનાના સહયોગથી અમલમાં આવી છે. આ પ્રકારના કેન્દ્રો મારફતે ખેડૂતો પોતાની ઉપજ સીધી ગ્રાહકો સુધી પહોંચાડી શકે છે અને સ્થાનિક સ્તરે વેચાણની વ્યવસ્થા ઊભી કરી શકે છે.

પ્રાકૃતિક ઉપજ એક જ સ્થળે મળશે

કેન્દ્રમાં રાસાયણિક ખાતર વગર પકવાયેલા દેશી અનાજ, કઠોળ તથા અન્ય ખેત પેદાશો ઉપલબ્ધ કરાવવામાં આવશે. FPO સંચાલકોના જણાવ્યા અનુસાર, આડેસર અને આસપાસના વિસ્તારોના લોકોને પ્રાકૃતિક રીતે ઉગાડવામાં આવેલી ઉપજ એક જ સ્થળેથી મળી શકશે.

ઉદ્ઘાટન કાર્યક્રમમાં SPNF એસોસિયેશનના કચ્છ જિલ્લા સંયોજક દેવશીભાઈ પરમાર, FPOના ડિરેક્ટર્સ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના રાપર તાલુકા પ્રોજેક્ટ મેનેજર બીપીનભાઈ માકડિયા ઉપસ્થિત રહ્યા હતા.

દેવશીભાઈ પરમારે ગૌ-આધારિત પ્રાકૃતિક ખેતીના ફાયદા અને ખેડૂતોને સીધા વેચાણથી મળતા નફા અંગે વાત કરી હતી. બીપીનભાઈ માકડિયાએ ખેડૂતો માટે ઉપલબ્ધ સરકારી સહાય અને તાલીમ અંગે માહિતી આપી હતી. આ કેન્દ્રથી ખેડૂતોને વેચાણનું સ્થાનિક માધ્યમ અને ગ્રાહકોને પ્રાકૃતિક ખેત પેદાશો સુધી સીધી પહોંચ મળશે.